સાચું ઋણ ચૂકવવાનો સંકલ્પ
MAY 2024BOOK REVIEW
6/3/20241 min read


હું માતૃભાષાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી મારી શાળાના ઉત્કર્ષ માટે અને નવી પેઢી માટે શું કરી શકું ?
આપણે રોજ છાપામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડાનાં સમાચાર વાંચીએ છીએ. એમાં કેટલાંક ૧૫ વર્ષે, કેટલાંક ૨૨ વર્ષે, તો કેટલાંક ૩૦ વર્ષે પાછા મળે છે, જૂની યાદોને તાજી કરે છે, આનંદ માણે છે, એકબીજા વિષે જાણે છે, નંબરોની આપલે કરી વોટ્સઍપના ગ્રુપ બનાવે છે અને છૂટ્ટાં પડી જાય છે. આ બધામાં શાળા તો ક્યાંક બાજુમાં જ મૂકાઈ જાય છે. જે શાળાના માધ્યમથી બધા મિત્રો બન્યાં, આવી સુખદ આનંદદાયક યાદો મળી, એ શાળા માટે તો ફક્ત ભૂતપૂર્વ જ બનીને રહી જવા ને બદલે સાચું ઋણ કેવીરીતે અદા કરી શકાય એ જાણીએ આ લેખમાં !
લેખ :
શું આપણાં શિક્ષણ અને સંસ્કારોનો પાયો બનનાર શાળા સાથે આપણે કાયમ માટે જોડાયેલાં ના રહી શકીએ; કાયમ માટે તેનાં બનીને ના રહી શકીએ? જે શાળાએ આપણી જિંદગીનો મજબૂત પાયો નાખ્યો, જેના કારણે સૌ વિકાસ, વૈભવ, ખ્યાતિ પામ્યાં એ શાળાને ભૂલી જવું એ બરાબર છે ? શું એ શાળાનાં મૈત્રીપૂર્ણ વર્ગખંડોને જ યાદ રાખવા એ સ્વાર્થીપણું નથી? કે પછી સતત એ પાયાની માવજત કરી, તેની સારસંભાળ રાખી, ભવિષ્યનાં ઝંઝાવાતો સામે ઝીંક ઝીલવામાં શું આપણે મદદરૂપ ન થઈ શકીએ? આપણે જેમ આપણી જોડે ભણતા ગોઠિયાઓ સાથે સંપર્કમાં રહીએ છીએ, વારે તહેવારે મળીએ છીએ, સારા નરસા પ્રસંગોએ સાથ આપીએ છીએ, તો આ બધાં જ સંબંધની ગૌમુખ જેવી શાળાને કેમ ભૂલી જવાય? શા માટે આજે અંગ્રેજી ભણતરના વહેણ વચ્ચે ઝોલાં ખાતી શાળાને મજબૂત અને મક્કમ હાથે સહારો ન આપી શકીએ?
આપણે ભણીને ગયા પછી કેટકેટલી તકલીફો શાળા પર આવી હશે, એનો વિચાર કર્યો છે કદી? શું આપણા સર્વાંગી વિકાસમાં જેનો મહત્તમ ફાળો છે, એ શાળાને આપણે આજના સમયમાં પાછી ધમધમતી કરવા મદદરૂપ ના થઈ શકીએ? શા માટે આપણે ફક્ત ભૂતપૂર્વ વિદ્યાર્થી બનીને રહી જઈએ? શાળા, જે આપણા બાળપણનાં સૌથી સુંદર, સરળ જીવનનો ભાગ હતો તેને હાલના જીવનનું પણ અવિભાજ્ય અંગ ના બનાવી શકાય? ફક્ત મોજ મસ્તી કરી, ફોટા પડાવી, છપાવી અને ભૂલી જવા પૂરતાં જ આ સંમેલનો કરવાના? ના.. આટલા વર્ષે ભેગા થવાના ઉમળકાને જો કાયમ માટે જાળવી રાખવો હોય તો ઘણી એવી વસ્તુઓ છે કે જે કરીને આપણે હજી પણ શાળાનું માતૃભાષાનું ઋણ સાચી રીતે ચૂકવી શકીએ એમ છીએ.
જેમકે..
૧) અવારનવાર શાળાની મુલાકાત લઈ શાળાનાં શિક્ષકગણ, સંચાલકગણને મળી, તેમની સાથે વાતચીત કરવી અને વર્તમાન સમયનાં શાળાનાં પ્રશ્નો વિશે જાણવું. આજના સૉશિયલ મિડિયાના સમયમાં શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે વૉટ્સઍપ કે ફેસબુક પર જૂથ બનાવી, અનેક લોકો સુધી પહોંચી શકાય અને સહયોગ મેળવી શકાય.
૨) શાળાને આજના યુગમાં ટક્કર મારી શકે એવી આધુનિક બનાવવા માટે આપણે શું ફાળો આપી શકીએ, તે વિચારીને અમલમાં મૂકવું; જેમકે કોમ્પ્યુટર લૅબ, સાયન્સ લૅબ, લાયબ્રેરી, સ્પોર્ટ્સ કીટ વગેરેમાં યોગદાન આપી શકાય.
૩) શાળાકીય વ્યવસ્થામાં શૈક્ષણિક સ્તરે સુધારા લાવવા, સમય કાઢી, વધારાના વર્ગો લેવામાં મદદરૂપ થઈ શકીએ. માતૃભાષામાં ભણતાં બાળકો દસમા ધોરણ પછી અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓ કરતાં પાછળ ન રહી જાય તે માટે શાળામાં લૅન્ગ્વેજ લૅબ સ્થાપી શકાય અને શાળામાં સ્પોકન અંગ્રેજીનો ફુલ ટાઈમ કાર્યક્રમ શરૂ કરાવી શકાય અને તે માટે પૈસાની સગવડમાં પણ મદદરૂપ થઈ શકાય.
૪) આજના અંગ્રેજી યુગમાં, માતૃભાષાની શાળાનાં આપણા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે એ માટે ઈંગ્લીશ સ્પીકીંગ, ગ્રામર, મૉટીવૅશનલ, વૉકેશનલ ટ્રેઈનિંગ, ઍક્સ્ટ્રા ઍબિલિટી, ટૅલેન્ટ્સ્ બહાર લાવવા માટે મદદરૂપ થઈ શકાય.
૫) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી કોઈ સારો જાણકાર હોય તો શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે સલાહ-સૂચન (counselling) કે કારકિર્દી અંગેનું માર્ગદર્શન (guidance) આપી શકાય અથવા કોઈ તજજ્ઞને બોલાવી આવા કાર્યક્રમો કરી શકાય.
૬) આપણા વિસ્તારમાં દૂરથી આવતાં નબળાં વર્ગનાં વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થામાં મદદરૂપ થઈ શકાય.
૭) શાળા જો જર્જરિત હાલતમાં હોય તો પાયાકીય સુવિધામાં મદદરૂપ બની, રંગરોગાન કરાવી, સુંદર, સારું બાલમંદિર બનાવી અપાય; જેથી ગુજરાતી માધ્યમમાં ભણનારો વર્ગ વધે અને ગર્વ અનુભવે કે ગુજરાતી માધ્યમની શાળામાં પણ સર્વ સુવિધાઓ મળે છે.
૭) આપણી માતૃસંસ્થાનું ઋણ ફેડવાનો અવસર ચૂકવા જેવો નથી. શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ શા માટે, શાળાનાં ભૂતપૂર્વ શિક્ષકોએ પણ આ પહેલમાં સાથ આપી, પોતાનો અનુભવ આવનાર પેઢી સુધી પહોંચાડવામાં મદદરૂપ થવું જોઈએ. જે વિષયમાં આપણે પારંગત હોઈએ અને વર્ષો સુધી એ વિષય ભણાવ્યો હોય કે એ ક્ષેત્રમાં કાર્ય કર્યું હોય એ અનુભવનો લાભ આપણે નવી પેઢી સુધી ન પહોંચાડી શકીએ?
૮) જો આપણે બધાં, અઠવાડિયામાં એક દિવસ, બે કલાક પણ, પોતાની શાળાનાં ઉત્કર્ષનાં કાર્ય માટે લગાવીએ, તો એ દિવસો દૂર નથી કે મુંબઈની ગુજરાતી માધ્યમની શાળાઓ, દેશની બીજી પ્રાદેશિક માધ્યમની શાળાઓ માટે ઉત્તમ ઉદાહરણ બની શકે!!
૯) આ કાર્યમાં બીજા પણ અનેક ફાયદાઓ રહેલા છે. આ દ્વારા આપણે એક રીતે આજના સમાજ અને નવી પેઢીને આપણી સંસ્કૃતિ, સંસ્કારો સાથે જોડી રાખનારી કડી બની શકીએ અને એ દ્વારા સમાજને અનેક દુષણોથી પણ દૂર રાખી શકીશું; જેનું મૂલ્ય આજે નહિ પણ સમય જતાં ચોક્કસ સમજાશે.
શું આ બધું શક્ય છે? હા, છે જ! તો, જો ૩૦ કે ૩૫ વર્ષ જૂની તમારી શાળા હોય અને દર વર્ષે અંદાજે ૨૦૦ થી ૩૦૦ વિદ્યાર્થીઓ દસમું ભણી નીકળ્યા હોય તો ૬૦૦૦ કે ૭૦૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ થાય. તેમાંથી ૫% લઈએ તો પણ ૩૦૦ થી ૪૦૦ વિદ્યાર્થીઓ થાય. એ જો દર મહિને ૧૦૦ રૂપિયા પણ કાઢે, તોય મહિને ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા સહેજે ભેગા થઈ શકે.
આ બધું એકઠું થયેલું ભંડોળ, પોતાની શાળા માટે જ, તેનાં આધુનિકરણ માટે જ વાપરવું. આ વિદ્યાર્થીઓમાં કેટલાંક એવા પણ હોય કે જેઓ વધારે આર્થિક મદદ કરી શકે એમ હોય તો સોનામાં સુગંધ ભળે અને વધારે ઝડપથી આ કાર્યો થવા લાગે. જરૂર છે માત્ર, આપણે સૌએ શાળાનાં વિદ્યાર્થીઓ બનીને મહિને એકવાર શાળાની મુલાકાત લેવાની, ત્યાંની જરૂરિયાતો સમજવાની. જો આપણે આપણી શાળાને પ્રેમ કરતા હોઈએ તો જાતે જ આ કાર્યને હાથમાં લેવું જોઈએ. શા માટે કોઈ સંગઠન, સંસ્થા કે સરકારની મદદની રાહ જોવી? આપણે આ કરીને સાચા વિદ્યાર્થી છીએ એ સિદ્ધ કરી શકીએ.
એવી ઘણી શાળાઓ છે કે જેનાં સંચાલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. એ શાળાઓ આજે અગ્રેસર રહી છે, તો આપણે પણ આપણી શાળાને અગ્રેસર કરવાનાં કાર્યમાં હાથ તો લગાડી જ શકીએ, જે આગળ જતાં મોટી ઝુંબેશનાં સ્વરૂપે પૂરવાર થાય અને જેનાં પરિણામો જોઈને આપણે કાયમ હરખાતાં રહીએ.
શાળાઓની પાયાકીય સુવિધાઓ જેવી કે પ્રયોગશાળા, વાંચનાલય, વાહન વ્યવસ્થા, અંગ્રેજીનાં વર્ગો, દૃષ્ય શ્રાવ્ય માધ્યમની મદદ , કોઈ પણ પ્રકારનાં સલાહસૂચનો કે માર્ગદર્શન માટે 'મુંબઈ ગુજરાતી'નો સંપર્ક કરી શકાશે.
- ભાવેશ મહેતા